મીની વેકેશન બાદ લાભ પાંચમના દિવસે મહેસાણાના વિજાપુર માર્કેટયાર્ડમાં હરાજીના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધારે મગફળીની આવક નોંધાઈ હતી. આ ઉપરાંત કપાસ અને એરંડાની સારી આવક નોંધાઈ હતી. દરેક જણસીના ભાવ પણ સારા મળ્યા હતા.
ઉત્તર ગુજરાતના વિજાપુર માર્કેટયાર્ડમાં કપાસ, તમાકુ, મગફળી, ઘઉં અને એરંડાની આવક વધારે થતી હોય છે. સાત દિવસના મીની વેકેશન બાદ વિજાપુર માર્કેટ યાર્ડમાં હાલ કપાસ અને મગફળીની આવક પાછી શરૂ થઇ છે. લાભ પાંચમના દિવસે 18મી નવેમ્બરના રોજ વિવિધ જણસીઓની આવક નોંધાઈ હતી.
કપાસ અને મગફળીના હાલ
વિજાપુર માર્કેટયાર્ડમાં સૌથી વધારે મગફળીની આવક નોંધાઈ હતી. મગફળીની 3996 બોરીની જોવા મળી હતી. મગફળીનો ભાવ 1100થી 1470 રૂપિયા પ્રતિ મણ નોધાયો હતો. આ ઉપરાંત, કપાસની 1559 બોરીની આવક નોંધાઈ હતી. કપાસનો પ્રતિમણનો ભાવ નીચો ભાવ 1300 રૂપિયા અને ઊંચો ભાવ 1501 રૂપિયા નોંધાયો હતો.
એરંડાના હાલ
મહેસાણામાં ખેડૂતો મોટા પાયે એરંડાની ખેતી કરે છે. લાભ પાંચમના દિવસે એરંડાની 118 બોરીની આવક થઇ હતી. તેમજ મણના 1120 થી 1158 રૂપિયા ભાવ નોંધાયો હતો. સારાભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી સર્જાઈ હતી.
ખેડૂતો થયા ખુશ
વિજાપુર માર્કેટયાર્ડના ચેરમેન રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, માર્કેટ ઉઘડતાની સાથે જ આજે નવા કપાસની હરાજી શરૂ કરાઇ હતી અને એરંડા, રાયડા અને કપાસની આવક શરૂ થઇ ગઇ હતી. સારા ભાવ મળતા ખેડૂતો ખુશ થઈ ગયા હતા.